માઇક્રો ફિક્શન વાર્તાઓ:-
સમજાય તેને સલામ.....
(૧) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”
(૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.
(૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..
(૪) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.
(૫) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.
ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”
એણે હસીને કહ્યું, હા મમ્મી..”
(૬) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાખ્યો. નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.”
ત્યાંજ મોબાઇલ રણકયો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં..”
(૭) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”
(૮) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. કાકાએ હસીને પેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”
(૯) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા ૩૫૦ રૂ. વધારે મળ્યા.
(૧૦) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”
(૧૧) નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’
શહેર સ્વછતા અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “સિક્યોરીટી રીઝન.”
(૧૨) ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી કરીને નાનકડો મનુ બોલ્યો, “આ ફોટા કેમ લટકાવવાના?”
કામ ઉપર જતી માંએ કહ્યું, “બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચું હોય.”
માંની વાત સાચી માનીને ગઈકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડરની પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચડીને ગણપતિજીની જમણી બાજુ પડેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.
એક ગુજરાતી શાયરે
ખુબ સરસ લખ્યુ છેકે.....
"નથી ગમતુ ઘણુ ::
પણ કંઈક તો એવુ ગમે છે....
કે બસ એનેજ કારણે,,
આ 'ધરતી' ઉપર રહેવુ ગમે
છે.......