દીકરીબાને વેલે બેસાડતા પહેલા કર કરવાનો રીવાજ અને કરનો ખચૅ વેલવાળા પાસેથી શા માટે લેવામાં આવે છે??
દીકરીબાને વળાવતા પહેલા માતાજીના (કુળદેવી) કર કરવાના હોય છે અને આ કર કરવાનો ખચૅ વેલવાળા પાસેથી લેવામાં આવે છે. તો આ પરંપરા અંગે અનેક વયોવૃદ્ધ વડીલો પાસેથી જાણકારી મેળવવાની કોશીશ કરી પણ સંપૂણૅ સચોટ માહીતિ કોઈ પાસે નહોતી. છેવટે જુની પેઢીના વડીલો પાસેથી કટકે કટકે જે જાણવા મળ્યુ તેનુ તારણ કાઢી સત્યની નજીક પહોંચવા પ્રયત્ન કયૉ છે.
કર એટલે હાથ,(🙏) બીજો અર્થ કર એટલે દાણ,જકાત,ટેક્સ. અમુક માતાજીને લાપસી જુવારવામાં આવે છે, તો અમુકને રાંધેલા ચોખા તો અમુકને માત્ર સાકર,શ્રીફળ અને મિઠાઈ તો અમુકને જુદા જુદા ફળનો પ્રસાદ ધરવામાં આવે છે. કર એટલે સંકલ્પની સિધ્ધી મળી હોય, આંગણે શુભ અવસર હોય ત્યારે માતાજી ને બે હાથ જોડી આ કૃપા બદલ પાડ માનવો કે પ્રણામ કરી પગે લાગવું. દરેક દીકરીઓ પોત પોતાની કુળદેવીમાં અતિ શ્રધ્ધા અને આસ્થા ધરાવતા હોય છે પણ લગ્ન પછી કૂળદેવી બદલી જતા હોય તેનો રંજ મનમાં રહી ન જાય તેથી કુળદેવીના છેલ્લી વાર દર્શન કરી કર કરવામાં આવે છે.દીકરીબા સાસરે સિધાવે એટલે તેની અટક બદલી જાય છે, કૂળગોત્ર બદલી જાય છે અને કુળદેવી પણ બદલી જાય છે. સાસરીયા પક્ષની જે કુળદેવી હોય તે દીકરીબાએ લગ્ન પછી સ્વીકાર કરવાનો હોય છે. પોતાની કુળદેવીએ દશૅન માટે અને કર કરવા માટે દીકરીબા આ છેલ્લી વખત જાય છે. અને મનોમન પ્રાથૅના દ્વારા એવી વિનંતિ કરવામાં આવે છે કે: '"હે કુળદેવી માતાજી,...અમારા કૂળના રીતરીવાજ અને પરંપરા મુજબ બંને પક્ષની સવૅસંમતિથી મારા લગ્ન (જાડેજા,ઝાલા, ગોહિલ,પરમાર, રાયજાદા વગેરે) કુળમાં ગોઠવાયા છે. તો આ છેલ્લી વખત આપના દશૅને આવી કર કરૂં છું, તારી કૃપા થકી મને ખાનદાન કુટુંબના સાસરીયા મળ્યા છે. તો હવેથી હું સાસરીયા પક્ષના કુળદેવીનો સ્વીકાર કરીશ. તો મને માફ કરજે.'" આ શબ્દો દ્વારા મનમાં જ પ્રાર્થના કરવાની એટલા માટે છે કે કર કરો કે નહી પણ સાસરીયે જવું તો ફરજીયાત બની રહેતું હોય કર દ્વારા માતાજીને યાદ કરીને મનોમન પ્રાર્થના થકી એવું સૂચવવામાં આવે છે કે અમો તને કદી ભૂલ્ચા નથી.
કર કરવાનો ખર્ચ વેલવાળા પાસેથી એટલા માટે લેવામાં આવે છે કે દીકરીબા એક કુળગોત્ર છોડી બીજા જ કુળગોત્રમાં જાય છે. તેની અટક અને કુળદેવી પણ બદલી જાય છે. આપણા પૂવૅજોએ આ રીવાજ પાછળ કેવી સરસ ગોઠવણી કરી છે કે કુળગોત્ર, અટક અને કુળદેવી બદલવાનું દીકરીબાના માવતર તો ઈચ્છતા ન હોય, તેના હૈયેથી તો દીકરીબા અળગા થતા જ ન હોય, તેથી એ શા માટે કરનો ખચૅ કરે? પરંતુ પરંપરા અને રીવાજને અનુસરી દીકરીબાના લગ્ન અને સસુરાલ જવુ તો ફરજીયાત જ છે. દીકરીબાના સાસરીયા પક્ષ દ્વારા કરનો ખચૅ એટલા માટે કરવામાં આવે છે કે સાસરીયે પગ મૂક્યા પછી હસ્તમેળાપ અને ચાર ફેરા ફયૉ પછી કુળગોત્ર, અટક અને કુળદેવી બદલાતા હોય કરનો ખચૅ વેલવાળા એટલે કે સાસરીયા પક્ષ પાસેથી એટલા માટે જ લેવામાં આવે છે. અમુક પંથકમાં માતાજી અને સુરાપુરા બંનેના કર કરે છે.